ટૅક્નૉલૉજીના આ યુગમાં આપણે સમગ્ર વિશ્વ સાથે એવી રીતે જોડાઈ ગયા છીએ કે વર્ષો પહેલાં સતત સંભળાતું વાક્ય “વિશ્વ એક ગામડું બની ગયું છે.” એ સાચુ પડેલું અનુભવાય છે. એક નાના ગામડાંમાં જેમ પ્રત્યેક વ્યક્તિ એકબીજાને ઓળખતી હોય, જાણતી હોય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે; એવી જ રીતે આપણે સહુ ટૅક્નૉલૉજીના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઇન્ટરનેટ અને ઇમેઇલથી આખી દુનિયા સાથે આપણા ઘરમાં બેઠા-બેઠા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ ચૂક્યા છીએ.
વિશ્વ ગામડું બની ગયું છે, પરંતુ એ ગામડાના બજારમાં પોતાની સેવાઓ અને સામાન વેચનારી કંપનીઓને આ વૈશ્વિક ગામડાના ગ્રાહકો સુધી પહોંચવાની જરૂરિયાત વધી છે. પોતાના વેપાર અને નફામાં વૃદ્ધિ કરવી કઈ કંપનીને ન ગમે? ધંધા-વેપારની વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે, તેમાં આગળ વધવા માટે દુનિયાભરના ગ્રાહકો સુધી પહોંચવું જરૂરી બન્યું છે. આ જરૂરિયાતે જન્મ આપ્યો છે, એક નવા પ્રકારના ઉદ્યોગને, જે ઓળખાય છે લોકલાઇઝેશન ઇન્ડસ્ટ્રી (સ્થાનિકીકરણ ઉદ્યોગ).
લોકલાઇઝેશન એક ઉદ્યોગ
સૌ પ્રથમ આપણે ‘લોકલાઇઝેશન’ શબ્દને સમજીએ. આ શબ્દનો સીધો અનુવાદ છે – સ્થાનિકીકરણ. તેનો અર્થ છે કોઈ એક ભાષા કે પ્રદેશની માહિતી, ઉત્પાદન, સાહિત્ય કે સેવાઓને તેમના મૂળ સ્વરૂપને ગુમાવ્યા વિના અન્ય કોઈ પ્રદેશના લોકો સુધી તેમની ભાષા અને સંસ્કૃતિ અનુસાર ઢાળીને પહોંચાડવા. કોઈપણ વ્યક્તિ માટે હવે લોકલાઇઝેશન એટલે શું એ સમજવું સહેલું છે. એ વાત પણ ભૂલવા જેવી નથી કે લોકલાઇઝેશન એ માત્ર એક ભાષામાંથી અન્ય ભાષામાં અનુવાદ કે ભાષાંતરની પ્રક્રિયા નથી, પરંતુ જે-તે ભાષા બોલતા જનસમૂહની લાક્ષણિકતાઓ સમજીને તેમની સાથે અસરકારક અને ફળદાયી સંવાદ પ્રસ્થાપિત કરવાનું માધ્યમ છે. જેમાં હવે કારકિર્દીની અઢળક તકોનું સર્જન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ ક્ષેત્ર કામ કરવા માટે દરેકને તેમને જોઈતી અનુકુળતા પણ કરી આપે છે.
જોકે, લોકલાઇઝેશનની વધતી જરૂરિયાતને પગલે આ ઉદ્યોગનો વ્યાપ પણ વધ્યો છે. તેને લીધે પ્રાદેશિક ભાષાઓના જાણકારો માટે કારકિર્દીની અઢળક નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. જરૂર છે, આ ઉદ્યોગમાં ભાષાના જાણકાર તરીકે પોતાની ક્ષમતાઓ અને લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને પોતાનું એક નિશ્ચિત સ્થાન પારખવાનું.
એટલું જ નહીં, ટૅક્નૉલૉજીએ ભાષા ન જાણવાને કારણે ઊભી થતી કૉમ્યુનિકેશનની સમસ્યાનું સમાધાન પણ કરી દીધું છે. આમ છતાં, હજી પણ મશીન દ્વારા થતો અનુવાદ માનવીય વિચારો તથા તેમની અભિવ્યક્તિના આશયને સચોટ રીતે રજૂ કરવામાં હંમેશાં સફળ નથી રહેતો. આવા સમયે અનુવાદ અને અભિવ્યક્તિની સ્પષ્ટ અને સીધી અભિવ્યક્તિ માટે જનસમૂહમાં બોલાતી સ્વાભાવિક ભાષાની લાક્ષણિકતાઓ જાણનાર વ્યક્તિ પાસે જે તે પ્રદેશના લોકોની સામાજિક માનસિકતા અને સાંસ્કૃતિક મૂલ્યોની સમજ હોય તો એ વ્યક્તિ લોકલાઇઝેશન ઉદ્યોગમાં પોતાની કારકિર્દી ઘડી શકે છે.
લોકલાઇઝેશનની સંભાવનાઓ વિસ્તારતા ક્ષેત્રો
બીજી એક બાબત એ છે કે, લોકલાઇઝેશન ઉદ્યોગ એ બે પ્રદેશો કે ભાષા સમૂહો વચ્ચે જ નહીં, પરંતુ જે-તે પ્રાદેશિક ભાષાના જનસમૂહની ટૅક્નૉલૉજી વિષયક જરૂરિયાતો પૂરી પાડવાની સેવા પણ પૂરી પાડે છે. એટલે તમે Google Assistant, Alexa અથવા Siri જેવા આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ આધારિત પર્સનલ આસિસ્ટન્ટ ટૅક્નૉલૉજી, Amazon, Flipkart જેવી ઇ-કોમર્સ સેવાઓ, PhonePe, Google Pay, Amazon Pay જેવી ફીન-ટૅક (ફાયનાન્સિયલ ટૅક્નૉલૉજી) સેવાઓ માટે પ્રાદેશિક ભાષાઓમાં લોકલાઇઝેશનની સેવાઓ પૂરી પાડતી કંપનીઓ સાથે કામ કરી શકો છો. આ ઉપરાંત હાલ કમ્પ્યૂટરાઇઝેશન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વિકસી રહ્યું છે. ત્યારે મશીનોને માનવીઓની ભાષા અને તેમના ઇન્ટેન્ટ (આશય) સમજાવવા માટે પણ લોકલાઇઝેશન પ્રક્રિયાની જરૂર રહેશે.
આ ઉપરાંત એડવર્ટાઇઝિંગ (જાહેરાત) ઉદ્યોગમાં પણ વધુને વધુ કંપનીઓ પ્રિન્ટ, ટીવી, ડિજિટલ પ્લેટફોર્મ્સ (Google, Facebook, Instagram અને ઇન્ટરનેટ પરની વિવિધ વેબસાઇટ્સ) પર જોવા મળતી જાહેરાતો સ્થાનિક ભાષાઓમાં આપવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. કારણકે, આ કંપનીઓ અંગ્રેજી અને હિન્દી ભાષાઓ ન જાણતા કે ઓછી જાણતા અને પ્રાદેશિક ભાષાઓ જાણતા વિશાળ જનસમૂહ સુધી પહોંચીને પોતાના વેપારનો વ્યાપ વિસ્તારવા ઇચ્છે છે.
તમે ઘણી વખત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, દવાઓ કે કેટલાક કેમિકલ્સના પેકેટમાં આવતી નાની ચબરખી જેવો કાગળ જોયો હશે, જેમાં વિવિધ ભાષાઓમાં એ સાધન, દવા કે કેમિકલ્સના ઉપયોગની વિગતો તથા અન્ય સૂચનાઓ લખેલી હશે. એ કાગળમાં માત્ર અનુવાદ નથી હોતો, જે-તે ભાષામાં એ વસ્તુઓની વિગતવાર સમજાય તેવી માહિતીની અભિવ્યક્તિ લોકલાઇઝેશનની પ્રક્રિયાથી જ થયેલી હોય છે.
દીર્ઘ કારકિર્દી અને પ્રગતિની તકો
દરેક કંપની પોતાના ઉત્પાદનો અને સેવા સંદર્ભે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા તથા નિયમોના પાલન માટે બંધાયેલી હોય છે. આથી એ કંપનીઓના નિયમો અને શરતોની કાયદાકીય વિગતોને પણ સ્થાનિક ગ્રાહકો સુધી પહોંચાડવી જરૂરી બને છે. લોકલાઇઝેશનની પ્રક્રિયામાં આ કામ અત્યંત ચિવટતા માગી લે તેવું છે. જેમાં આ શરતોના અનુવાદ ઉપરાંત તેના લખાણની ઝિણવટભરી વિગતોની રજૂઆત અન્ય ભાષામાં યોગ્ય રીતે થઈ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રિવ્યૂ અને ક્વૉલિટી ચેક પણ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ ઉપરાંત માર્કેટિંગ એ કોઈપણ કંપની માટે પોતાની ઉત્પાદન કે સેવાઓને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાધન છે. એટલે માર્કેટિંગ હોય કે મેડિકલ, એડવર્ટાઇઝિંગ હોય કે કાયદો દરેક ક્ષેત્ર માટે હવે લોકલાઇઝેશન જરૂરિયાત બની રહ્યું છે.
લોકલાઇઝેશન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માટે તમારે આ વૈશ્વિક કંપનીઓને તમારી સ્થાનિક ભાષાના વપરાશકર્તાઓ સુધી પહોંચાડવામાં એક મહત્ત્વપૂર્ણ ભાષાકીય કડી બનવાનું છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં આ કંપનીઓની સૂચનાઓ, તેમના ઉત્પાદનો અને સેવાઓ વિશેની માહિતી અંગ્રેજી ભાષામાં સમજી શકતા વપરાશકર્તાઓ સંખ્યાની સરખામણીએ એ જ ઉત્પાદનો અને સેવાઓ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવે તો કંપનીઓના ગુજરાતી ભાષી ગ્રાહકોની સંખ્યામાં અનેકગણો વધારો થઈ શકે છે.
હજી તો વિવિધ કંપનીઓ ગુજરાત સહિત ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોના જનસમૂહ સુધી પહોંચવાની શરૂઆત કરી રહી છે. એટલે વર્ષો સુધી લોકલાઇઝેશન પ્રક્રિયા માટે પ્રાદેશિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં કૉમ્યુનિકેશનને સમજનારા, અને તે કૉમ્યુનિકેશનને સચોટ રીતે પ્રાદેશિક ભાષા બોલતા લોકો સુધી જે-તે પ્રદેશના સાંસ્કૃતિક પરિવેશને ધ્યાનમાં રાખીને માહિતી, ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડનારા વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા પ્રૉફેશનલ્સની જરૂર રહેશે.
અત્યારે લોકલાઇઝેશન ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકામાં ભાષાના જાણકારોની જરૂરિયાત રહે છે. જે ક્રિએટિવ રાઇટર, એડિટર, લિંગ્વિસ્ટ, ક્વૉલિટી રિવ્યૂઅર, લેંગ્વેજ લીડ, ટીમ મેનેજર, જેવા અનેકવિધ પદો માટે ભાષા જાણનારા કુશળ લોકો માટે તકો રહેલી છે. લોકલાઇઝેશન માટે ભાષાકીય સજ્જતા ઉપરાંત જે-તે વિષયની ઊંડી સમજ અને તેના શબ્દોની યોગ્ય રજૂઆત જરૂરી છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પણ વિવિધ અનુકુળતા છે. જો તમારી પાસે યોગ્ય ભાષા કૌશલ્ય હોય અને તમે એક કરતાં વધુ ભાષાઓમાં સહજતાથી કામ કરી શકતા હોવ અને તમારે ચોક્કસ પ્રકારની નોકરીના બંધનમાં બંધાઈ જવું ન હોય તો તમે ફ્રિલાન્સ લિંગ્વિસ્ટ તરીકે લોકલાઇઝેશન ક્ષેત્રમાં કામ કરી શકો છો. જેમાં કોઈના કોઈ ચોક્કસ કલાકો નથી હોતા અને તમારે તમારી ક્લાયન્ટ કંપનીની જરૂરિયાત અનુસાર કામ કરવાનું હોય છે. આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબના વિવિધ પદો પર આ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓમાં ક્રિએટિવ રાઇટરથી લઈને કંપની મેનેજમેન્ટ ટીમ સુધી વિવિધ પદો પર કામ કરીને એક લાંબી કારકિર્દી વિકસાવી શકાય છે.
આ કામના દામ કેટલા મળે?
જો તમારું ભાષાકીય કૌશલ્ય યોગ્ય હશે તો તમે ₹25,000 સુધીના માસિક પગારથી કારકિર્દીની શરૂઆત કરી શકો છો અને સમયાંતરે તમારા કામની ગુણવત્તા, ટાઇમ મેનેજમેન્ટ, ટીમ મેનેજમેન્ટ અને તમારા અનુભવને આધારે તમારી આવકમાં વધારો કરી શકો છો.
વૈશ્વિકરણ એટલે કે ગ્લોબલાઇઝેશનના યુગમાં હવે લોકલાઇઝેશનનું મહત્ત્વ દુનિયાને સમજાઈ રહ્યું છે. તેને કારણે નિર્માણ પામેલી આખી લોકલાઇઝેશન ઇન્ડસ્ટ્રીમાં વિકાસ અને વૃદ્ધિની ગાડી હજી તો પાટે ચડી છે. જો તમારે આ ગાડીમાં સફળ કારકિર્દીની એક લાંબી સફર કરવી હોય તો એ સ્પીડ પકડે એ પહેલાં એમાં સવાર થઈ જાવ જેથી કરીને તમે આ તકનું સ્ટેશન ચૂકી ન જાવ.
May 22, 2021 — magnon